આપણે બે ભાઈબંધ?
નાનપણમાં એક વસ્તુ મને ગમતી. પ્રાથમિક સ્કૂલ કે પડોશમાં રહેતા છોકરાઓ સાથે ક્યારેક તોફાન કે રમતી વખતે ઝગડો થાય ત્યારે એની સાથે ફરીથી મિત્રતા કરવાનું મન થાય.
પછી એની નજીક જઈને, થોડી કાકલૂદીથી, મીઠું મીઠું બોલીને કહે "આપણે બે ભાઈબંધ?" અને બંને નિર્દોષ બાળકો ફરી પાછા મિત્રો થઈ જાય, "બિલા" થઈ જાય! હાથ મેળવીને ફરીથી સાથે રમતા થઈ જાય.
નાનપણમાં અને એ સમયમાં ઘણી સાદગી અને નિર્દોષતા હતી. હૃદયનું સ્થાન વધારે મહત્વનું, દિમાગનું સ્થાન નીચું. જ્યારે આજે સમય અને ઉંમર બદલાઈ છે. નારાજ થયેલા મિત્રો મોટા ભાગે કાયમ દૂર થઈ જાય છે. ખબર નહી કેવી ને કેવી પોતાના દિમાગથી ઉપજાવી કાઢેલ વહેમ અને ધારણાઓમાં ઉલજી જાય છે! બીજાને માફ કરી શકતા નથી. ત્યારે અચાનક કોઈ યાદ આવે કે કોઈ મળી જાય તો એને ફરીથી એ જ નાનપણની જેમ પૂછવાનું મન થાય "આપણે બે ભાઈબંધ?"
જો તમે મારી આ બ્લોગ પોસ્ટ વાંચી રહ્યા હો તો હું તમને પણ એ જ પૂછીશ કે "આપણે બે ભાઈબંધ?"
