પુણ્ય
હમણાં જ રસ્તા પરથી જતી વખતે જોયું કે એક ગૌ ચારો વેચનાર એક બહેન હાથમાં ચારો લઈ બીજા સેવાભાવી વ્યક્તિને સ્પર્શ કરવા માટે આપી રહ્યા છે. ચારો ગાયને આપતા પહેલાં એ આપનારનું સ્પર્શ! જેથી કરીને ચારો આપનારે પોતે ચારો આપ્યું એવું લાગે અને પોતાને "પુણ્ય" મળે.
દરેકને પુણ્ય કમાવવાના અભરખા હોય એ સ્વાભાવિક છે. કારણ કે સમય અને લોકો, પરિસ્થિતિ બહુ ખરાબ છે. ક્યારે કઈ ઉપાધિ કે પીડા આવી પડે એનું કંઇ નક્કી નહીં! જેમ બેંકમાં રાખેલી એફડી ક્યારેક અચાનક પૈસાની જરૂર પડે અને કામ આવે એવી જ રીતે ગાય ચારોંના કરેલા પુણ્યો ભગવાન પાસે જમાં હોય તો કામ આવે!
ખેર! આ તો બ્લોગ લખું છું એટલે આની મસ્તી કરી રહ્યો છું. પણ એમાં કંઇ ખોટું નથી. ચારો વેચનાર થોડા પૈસા કમાઈ લે છે, ચારો આપનાર પુણ્ય કમાઈ લે છે અને ગાયને ખાસ કરીને વરસાદની સીઝન ન હોય અને ઘાસની કમી હોય તો એનું પેટ ભરાય છે. કારણ કે આજકાલ ગાય લોકોના ઘરની આગળ ઊભી હોય તો બહુ ઓછા ઘરેથી એક રોટલી મળે છે.
પણ, આ લેખ લખવાનું મારું હેતુ કંઈક બીજું જ છે. "પુણ્ય" કમાવવા માટે એક બીજી "એડવાન્સ!" રીત પણ છે!
લોકોને ધૃણા નહીં કરીને, બીજા વિશે ખરાબ નહી બોલીને, આપણાથી જે થઈ શકે એ બીજા માટે સારું કરવાનું. આપણે ક્યાંક બીજાને મદદ કરી શકીએ, ક્યાંક કામ આવી શકીએ તો એ સૌથી મોટો "પુણ્ય"
લોકો ક્યારે નથી સમજી શક્યા, અને મને આજ વાતને વારંવાર કહેવી પડે છે કે આઇટી માં કામ કરવું એ બધા સ્ટાફ સાથે જોડાવું અને એ લોકો માટે કામ કરવું મને ગમે છે. આ કામ માત્ર "નોકરી" જ નથી. માત્ર દર મહિને પગાર મળે એ માટે જ નથી. પણ લોકોનો કોમ્પુટર બરોબર અને ઝડપથી ચાલે, નવું અપડેટ હોય. લોકોને કામ કરવામાં સરળતા રહે. એવી મનમાં એક ઇચ્છા અને આનંદ છે.
પણ અફસોસ, લોકો બીજા વિશે ખોટી ધારણાઓ બાંધી લે છે અને નકારાત્મક વિચારે છે. લોકોમાં રહેલા સારા ગુણો કે એમની કુશળતા કે સારી નિયત વિશે વિચારતા નથી. લોકો ક્યારેક આવતા કોમ્પ્યુટર ફોલ્ટ કે એરર માં ફસાઈને આઇટી પર્સને દોષ દીધે રાખે છે. એમાં હું જે "સેવા" અને લોકો માટે કંઈક કરવું એ ભાવનાની તો લોકોને ખબર જ નથી પડતી.
ખેર પણ એમ છતાં, ક્યારેક દુઃખ થતાં, ક્યારેક ગુસ્સે થતાં, પણ હું મારું કામ કર્યે જાઉં છું....
